વડોદરાની યુવા કબડ્ડી ખેલાડી કાવ્યા રાવલે ક્રિકેટની લોકપ્રિયતાની વચ્ચે પણ કબડ્ડી જેવી પરંપરાગત રમતમાં પોતાનું નામ રોશન કર્યું છે. હરણી-સમા લિન્ક રોડ પર આવેલી જય અંબે વિદ્યાલય હરણી ખાતેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી કાવ્યાએ નાની ઉંમરથી જ કબડ્ડી પ્રત્યે અનોખો પ્રેમ દર્શાવ્યો. ધોરણ 7થી શરૂ કરીને તેણે ઝોનલ, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને ઘણી સફળતાઓ હાંસલ કરી છે.
સફળતાની સફર
કાવ્યાએ સલાટવાડા અને વાઘોડિયાના રમતગમતના મેદાનોમાં પ્રેક્ટિસ કરીને પોતાની કુશળતાને નિખારી. તેણે ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમ્સ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને બ્રોન્ઝ મેડલ સહિત અનેક સર્ટિફિકેટ મેળવ્યા. આણંદ, પાટણ, અમરેલી અને ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાઓમાં તેણે 35 ટીમો સામે રમીને પોતાની ક્ષમતા સાબિત કરી. દરેક ટીમમાં 12 ખેલાડીઓ હોવા છતાં, કાવ્યાએ પોતાની ચપળતા અને રણનીતિ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
પરિશ્રમ અને સમર્પણ
કાવ્યાની સફળતા પાછળ તેની સખત મહેનત અને નિષ્ઠા છે. તે દરરોજ વહેલી સવારે કબ્બડ્ડી ના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ માટે જતી અને પોતાના આહાર પર ખાસ ધ્યાન આપતી. તેણે જંક ફૂડ ટાળીને મગ, કેળા અને ફળો જેવા પ્રોટીનયુક્ત ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સાથે, તે જય અંબે વિદ્યાલય હરણી ના વિદ્યાર્થી તરીકે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ અને અંડર-17 કબડ્ડી સ્પર્ધાઓ માટે પણ તૈયારી કરતી રહી.
કાવ્યાનું સપનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડી રમવાનું છે, અને તે આ લક્ષ્ય તરફ સતત આગળ વધી રહી છે. તેની આ સફરમાં તેની માતા દીપ્તિબેન રાવલ, સ્કૂલના રમતગમત શિક્ષકો અને રમતગમત વિભાગનો મહત્વનો ફાળો રહ્યો છે,
કબડ્ડી ભારતની પરંપરાગત રમત છે, જે ગુજરાતમાં ‘હુતુતુ’ તરીકે પણ ઓળખાય છે. આ રમતમાં ખેલાડીઓએ શ્વાસ રોકીને ‘કબડ્ડી-કબડ્ડી’ બોલતા વિરોધી ટીમના ખેલાડીઓને અડીને પોતાના એરિયામાં પાછા ફરવું પડે છે, જે શારીરિક અને માનસિક ચપળતા માંગે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ખેલો ઇન્ડિયા’ જેવા રમત ગમતના ક્ષેત્રથી ગુજરાતમાં કબડ્ડી જેવી રમતોને પ્રોત્સાહન આપ્યું છે, જેનો લાભ કાવ્યા જેવા યુવા ખેલાડીઓને મળ્યો છે.